સાપ્તાહિક રાશિફળઃ 24 થી 30 મે 2020

જ્યોતિષ શાસ્ત્ર

મેષ

સપ્તાહની શરૂઆતમાં આપ મિલકત કે વાહન સંબંધિત કાર્યો પાર પાડવાની તમને ઇચ્છા હશે અને આ માટે અત્યારે તક મળે. પ્રોફેશનલ જીવનમાં સાનુકૂળ પ્રભાવ રહે. જો આપ ફંડ એકત્ર કરવાની યોજના કરો છો તો આ તબક્કો આપને ફળદાયી નિવડે. આપના જાગ્રૃત મન અને કેન્દ્રિત અભિગમથી આપ પૂરતા પ્રમાણમાં નાણાં કમાઇ શકશો. જો કે આ સમયમાં નાણાકીય બાબતે ચિંતા પણ સતાવ્યા કરે તેવું બને. સપ્તાહના અંતે આપના શત્રુઓની હાર થાય અને માનસિક શાંતિનો અનુભવ કરો. વિદ્યાર્થીઓને મોટાભાગના સમયમાં અભ્યાસમાં રુચિ જળવાઇ રહેશે. નવા અને વધુ જ્ઞાનની પ્રાપ્તિ થવાથી પણ આપને ખુશીનો અહેસાસ થાય.આપ પરિણીત છો તો આ સપ્તાહ આપને જીવનસાથી સહકાર આપશે અને આપના સંબંધોમાં લાંબા ગાળાથી જોવા મળતી કેટલીક સમસ્યાનો આપ ઉકેલ લાવી શકશો. પ્રેમસંબંધો માટે અંતિમ ચરણમાં સારી તકો મળે. તમારે સ્વાસ્થ્યની કાળજી લેવી પડે તેમજ ઇજાથી સાચવવું પડશે. સપ્તાહના મધ્યમાં જો આપનું વજન વધતું હોય તો તેને લગતી સમસ્યાઓ થઇ શકે છે અને સમય આગળ વધતા આપની તબિયતને અસર કરી શકે છે.

વૃષભ

સપ્તાહની શરૂઆતમાં ઘર અને સ્થાવર મિલકતને લગતા કાર્યમાં નિકાલ આવી શકે છે અથવા તેમાં ગતિવિધી તેજ થતા આપને સારી આશા દેખાશે. શરૂઆતમાં પ્રોફેશનલ મોરચે આપની યોજના અને પ્રોજેક્ટને સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો જેના કારણે વધુ ધનલાભ થશે પરંતુ તે આવક કદાચ તાત્કાલિક નહીં હોય. આવી સ્થિતિમાં આપને આર્થિક જરૂરિયાતો પૂર્ણ કરવા માટે અગાઉથી વ્યવસ્થા રાખવાની સલાહ છે. સપ્તાહના મધ્યમાં તમે આર્થિક ભાવિ સુરક્ષિત કરવા માટે રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરશો. સપ્તાહના અંતમાં આપની કોમ્યુનિકેશન આવડતમાં વધારો થાય. વિદ્યાર્થી જાતકો શરૂઆતથી જ અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરશે. તમે ગમ્મત સાથે જ્ઞાન મેળવવાનો અભિગમ અત્યારે અપનાવશો. વડીલવર્ગ અને ગુરુજનો તમારી તરફેણમાં હશે અને દરેક બાબતમાં તેમનું પૂરતું માર્ગદર્શન મળી રહેશે. વિજાતીય સંબંધો માટે શરૂઆત સારી છે. આમ પણ તમે છેલ્લા કેટલાક સમયથી પ્રિયપાત્ર સાથે ઘણી આત્મીયતા કેળવી રહ્યા છો અને આ સ્થિતિ હાલમાં યથાવત રહેશે. માત્ર પૂર્વાર્ધમાં તમારે વાણીમાં સ્પષ્ટતા રાખવી પડશે અને સ્વભાવમાં અહં દૂર કરવો પડશે. પિતા અથવા પરિવારની કોઇપણ વડીલ વ્યક્તિ સાથે તમારી આત્મીયતા વધશે. તમારી સ્વાસ્થ્ય સુખાકારી સારી રહેશે અને અગાઉથી કોઇ બીમારી હોય તેમને તંદુરસ્તીમાં સુધારો પણ જોવા મળે. જોકે, દાંત, ખભામાં દુખાવો, ગરદનને લગતી કોઇ નાની સમસ્યા તમને થોડો સમય પરેશાન કરી શકે છે. ઉત્તરાર્ધમાં તમે સાહસવૃત્તિ સંતોષવા માટે કોઇ સ્પોર્ટ્સ અથવા એડવેન્ચર ટૂરમાં ભાગ લો તેવી શક્યતા પણ નકારી શકાય નહીં.

મિથુન

સપ્તાહની શરૂઆતમાં પહેલા દિવસે મધ્યાહન સુધી તમે થોડા બેચેન રહેશો જેથી પરિવાર, પ્રોફેશનલ બાબતે, અભ્યાસ અને સ્વાસ્થ્ય દરેક રીતે પ્રતિકૂળતા આવશે પરંતુ તુરંત તમારા વિચારોમાં સકારાત્મકતા આવશે જેના કારણે વ્યક્તિગત જીવનમાં આપનો જુસ્સો,આત્મવિશ્વાસ અને આશાવાદ આપની ક્ષિતિજોને વધુ વિસ્તારી શકશો. જો આપ પરીણીત છો તો જીવનસાથી જોડે ગુણવત્તાપૂર્ણ સમય વિતાવી શકો પરંતુ તમારું વિજાતીય આકર્ષણ તમને અનૈતિક સંબંધો તરફ ખેંચી શકે છે. અત્યારે તમારા સાથીને સંબંધોમાં વધુ અવકાશ આપવો. અત્યારે પ્રોફેશનલ મોરચે કાયદા કે સરકાર વિરોધી કોઇપણ કાર્યોથી દૂર રહેવું અન્યથા મુશ્કેલી સર્જાશે. કમ્યુનિકેશન, બેંકિંગ, લેખન, જર્નાલિઝમ, શિક્ષણ, સરકારી કાર્યો વગેરેમાં અત્યારે તમારે વધુ ધ્યાન આપવું પડશે. આપના વ્યક્તિત્વમાં નિખાર આવી શકે છે. અત્યારે તમે મોજશોખ અને વૈભવી જીવનશૈલી ઉપરાંત પોતાની જાત માટે ખર્ચ કરો તેવી શક્યતા છે. સપ્તાહના મધ્યમાં તમે આવક વધારવ પર ધ્યાન કેન્દ્રિત કરશો. સ્વાસ્થ્ય બાબતે અત્યારે થોડી કાળજી લેવી જેમાં ખાસ કરીને બ્લડપ્રેશર, હૃદયના ધબકારાને લગતી ફરિયાદો, શારીરિક નબળાઇ હોય તેમણે વિશેષ સાચવવું.

કર્ક

સપ્તાહના પહેલા દિવસે મધ્યાહન સુધી તો તમે સારી સમય વિતાવો પરંતુ તે પછી સંબંધોમાં મતભેદ રહેશે. સપ્તાહના મધ્યમાં તમે સૌની સાથે તાલમેલ સાધવાની પ્રક્રિયા વધુ ઝડપી બનાવશો અને તમારા જીવનસાથી અથવા પ્રિયપાત્ર તેમજ પરિવારજનો સાથેનું બંધન વધુ મજબૂત બનશે. સમય જેમ જેમ પસાર થશે તેમ તેમ તમારા સાથી જોડે વધુ ગાઢ જોડાણની અનુભૂતિ થશે. સપ્તાહના પૂર્વાર્ધમાં સ્વાસ્થ્ય પર વિપરિત અસર પડવાની સંભાવના વધુ છે. જો તમને અગાઉ સ્વાસ્થ્યની કોઈ સમસ્યા થઈ હોય તો, આ હાલમાં તે બીમારી ફરી માથુ ઊંચકતા તમે પરેશાન થાવ તેવી શક્યતા વધશે. પ્રોફેશનલ મોરચે શરૂઆતમાં મન ઓછુ લાગે પરંતુ મધ્ય બાદ સાહસ દ્વારા આપ આગળ વધો અથવા એવું કહી કહી શકાય કે આપ ગણતરીપૂર્વક જોખમ લેવા તૈયાર થશો. આપને દસ્તાવેજી કામકાજોમાં પણ સમય આપવો પડશે. સપ્તાહના અંતમાં આર્થિક ઉન્નતિ પર તમે વધુ કેન્દ્રિત થશો. તમે અગાઉથી અને કાળજીપૂર્વક તમારું બજેટ નક્કી કરશો. વિદ્યાર્થી જાતકો માટે સમય સારો છે પરંતુ શરૂઆતમાં માનસિક ચંચળતા વધુ રહેવાની શક્યતા છે.

સિંહ

સપ્તાહની શરૂઆતમાં આપની તર્કશક્તિ સાથ આપશે અને પ્રોફેશનલ મોરચે તમે તેનો સારી રીતે ઉપયોગ કરી શકશો. અગાઉ વિપરિત થયેલા સંજોગો અથવા સંબંધોમાં આવેલા તણાવની સ્થિતિ થાળે પડવાની આપની આશા ફળે. જો તમે હાલમાં કોઇની સાથે નજર મિલાવી હશે તો કંઇક એવી બાબત હશે જે આપના સંબંધોને આગળ લઇ બળ આપશે. ખાસ કરીને સપ્તાહના મધ્યનો તબક્કો પ્રેમસંબંધો માટે ઘણો ઉત્તમ જણાઇ રહ્યો છે. જીવનસાથીની પસંદગી અંગેના નિર્ણયમાં અત્યારે ખોટી ભ્રમણાઓથી દૂર રહેવાની સલાહ છે. સપ્તાહના મધ્યમાં શક્ય હોય ત્યાં સુધી પૌષ્ટિક ભોજન પર વધુ ધ્યાન આપજો અને આરામ તેમજ કસરતમાં નિયમિતતા જાળવજો. ઉત્તરાર્ધના સમયમાં તમારી કાર્યક્ષમતા ઘટે, કામમાં આપની સમજશક્તિ અને આયોજનશક્તિની ઉણપ વર્તાય તેવી શક્યતા છે પરંતુ છેલ્લા દિવસે તમારામાં ફરી ઉર્જાનો સંચાર થશે જે તમને નવા વિચારો સાથે આગળ વધવા માટે મદદરૂપ થશે. આ સપ્તાહમાં વિદ્યાર્થીઓ પૂર્વાર્ધમાં તેમના અભ્યાસમાં સારું ધ્યાન આપી શકશે.

કન્યા

સપ્તાહની શરુઆતમાં કામકાજમાં મહેનત પ્રમાણે સફળતા મળે. કામની ભાગદોડમાં પરિવાર તરફ દુર્લક્ષ્‍ય સેવાય નહીં તેનું ધ્યાન રાખવું. કામકાજ અર્થે કોઇ ચોક્કસ પ્રકારે અને ચોક્કસ વ્યક્તિ કે ક્લાયન્ટ સાથે વધુ સંપર્કમાં રહો તેવી શક્યતા બને અને તેમાંથી આપને લાભ થાય. વાહન સંબંધિત ખર્ચના યોગ નકારી શકાય નહીં. જમીન, મકાન, કૃષિ, ઓજારો વગેરેના છુટક કાર્યોમાં જોડાયેલ હોય અથવા આવી કોઇ કંપનીમાં કામ કરતા હોય તેમના માટે આશાસ્પદ સમય છે. સપ્તાહના મધ્યમાં નોકરી- વ્‍યવસાયના ક્ષેત્રે સ્‍પર્ધાયુક્ત વાતાવરણ રહેશે. આ સપ્તાહમાં તમને કોઇને કોઇ પ્રકારે લાભ મળવાની શક્યતા છે જેમાં અગાઉ કરેલા કાર્યોના ફળરૂપે અથવા ઇન્સેન્ટિવ કે અન્ય રૂપે આર્થિક લાભની શક્યતા છે. પ્રેમસંબંધો માટે સપ્તાહના મધ્યનો સમય સૌથી ઉત્તમ છે. છેલ્લા ચરણમાં થોડુ સાચવવા જેવું છે. વિદ્યાર્થી વર્ગ માટે થોડો કપરો સમય ગણી શકાય. નકારાત્‍મક વિચારોથી દૂર રહેવાની સલાહ છે. માનસિક વ્યગ્રતા- ટેન્શન દૂર કરવા ગણતરીપૂર્વકનું આયોજન કરવું. અપચો કે પેટને લગતાં દર્દ, શરદી, ખાંસી સતાવે. કોઇપણ બાબતે નિર્ણય લેતા પૂર્વે શાંત ચિત્તે તમામ પાસાનો વિચાર કરવો.

તુલા

સપ્તાહની શરૂઆતમાં વિદેશ સંબંધિત કામો ગતિ પકડશે પરંતુ સફળતા પહેલા અવરોધોનો સામનો કરવો પડશે. રોકાણમાં હંમેશા લાંબાગાળાનું જ આયોજન કરવું તેમજ બીજાના ભરોસે ના રહેવું. કઠોર પરિશ્રમનો કોઇ જ વિકલ્પ કે શૉર્ટકટ નથી માટે કમાણી કે સિદ્ધિ મેળવવાના શોર્ટકટથી દૂર રહેવું. સપ્તાહના મધ્યમાં તમારી આસપાસના લોકો તમારી પ્રગતિની ઇર્ષ્યા કરી શકે છે, પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. તમારી તબિયતમાં હવે સુધારો જણાશે. સપ્તાહના મધ્યમાં પરિવાર પર વધુ ધ્યાન આપી શકશો. કોર્ટ કચેરીને લગતા કામકાજમાં મહેનતને અંતે સફળતા મળી શકે છે. આપ કોઇ શુભકાર્ય કરવા પ્રેરાઓ. છેલ્લા ચરણમાં તમે ખાસ કરીને પ્રણયસંબંધોમાં આગળ વધી શકશો. જોકે, તમારા સાથી અંગેની કોઇ ચિંતા સતાવશે જેથી તમે સંબંધોનું સુખ સો ટકા નહીં માણી શકો પરંતુ નવા સંબંધોની શરૂઆત માટે પ્રયાસ ચોક્કસ કરી શકશો. વિદ્યાર્થીઓને શરૂઆતથી જ અભ્યાસમાં રુચિ જળવાઇ રહેશે.

વૃશ્ચિક

સપ્તાહના પહેલા દિવસે મધ્યાન સુધીનો તબક્કો આપના માટે અનુકૂળ છે. કામકાજ અને સંબંધોમાં તમે બહેતર અનુભવ કરો અને બીજાનો સહકાર પણ સારી રીતે મળે. જોકે, પહેલા દિવસે મધ્યાહન પછી તમારું મન ચંચળ બનશે અને બેચેની વધશે. કામકાજમાં આવક કરતા જાવકનું પલ્લું ભારે હોવાથી હાથ આર્થિક ભીડમાં રહેશે. આવી સ્થિતિમાં દરેક કાર્ય ધીરજથી પાર પાડવાની સલાહ છે. સ્વાસ્થ્યની પણ કાળજી લેવી જરૂરી છે. સપ્તાહના ઉત્તરાર્ધમાં આર્થિક સ્થિતિ અને આપનું સ્‍વાસ્‍થ્‍ય પણ સુધરતા મનથી પણ આપ ખુશમિજાજ રહેશો. થોડું આર્થિક આયોજન કરી શકશો. જો કે તેમાં પણ પ્રારંભિક અવરોધો બાદ જ સફળતા મળશે. સપ્તાહના ઉત્તરાર્ધમાં તમારા આશાવાદી અને તકવાદી સ્વભાવ બંને ખુલીને સામે આવશે. આપને જીવનમાં કોઈ વસ્તુ સરળતાથી મળી નથી તેવો ભાવ ઉત્પન્ન થશે અને તમે પોતાના લક્ષ્યો હાંસલ કરવા માટે વધુ મહેતન કરવાની માનસિક તૈયારી કરી લેશો. આપ જાતે જ પોતાનું મૂલ્‍યાંકન કરશો અને નિર્ણય લેશો. ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ અંતિમ ચરણ આશાસ્પદ છે.

ધન

શરૂઆતના સમયમાં ઓફિસ અને વ્‍યવસાયમાં આપનું વર્ચસ્‍વ વધશે. વિચારોમાં વધુ વ્યાપક બનશે અને લોકો પ્રત્યે આપનું વર્તન વ્યવહારું થશે. તમે પોતાની ફાયદા ઉપરાંત બીજાનો પણ વિચાર કરશો. તેનાથી ટીમવર્કની ભાવના વધશે અને કામમાં વધુ સફળતા મળશે. હરીફો કે પ્રતિસ્પર્ધીઓના કોઈ જ કાવતરા આપની સામે કામ નહીં કરે. આપનું દરેક કામ આત્મ વિશ્વાસ અને દ્રઢ મનોબળથી પાર પડશે. જોકે, આ સમયમાં ભાગીદારીના કાર્યોમાં આર્થિક લેવડદેવડમાં સાવચેતી રાખવી જરૂરી છે. પ્રેમ પ્રસંગોમાં સમર્પણની ભાવના રાખશો એટલા વધારે આનંદમાં રહી શકશો. સપ્તાહના મધ્યમાં પ્રેમીજનો વચ્‍ચે વાદવિવાદ થવાથી તકરાર થાય. જોકે, છેલ્લા ચરણમાં તમે ફરી એકબીજાના સંપર્કમાં રહીને અથવા વધુ સમય સાથે વિતાવીને દિલની નીકટતા વધી શકશો. વિદ્યાર્થી જાતકોને સલાહ છે કે ઇતરપ્રવૃત્તિઓથી દૂર રહેવું અન્યથા એકાગ્રતા ઘટશે અને તેની અસર અભ્યાસમાં પડી શકે છે. બૌદ્ધિક કાર્યો કે ‍સાહિત્‍યલેખન જેવી પ્રવૃત્તિઓ માટે સપ્તાહનો પ્રારંભિક તબક્કો સાનુકૂળ છે. આ સપ્તાહે મોટાભાગના સમયમાં તમારું મન વ્યાકુળ રહેવાથી સ્વાસ્થ્યની કાળજી લેવી. છતાં પણ અંતિમચરણમાં બહેતર સ્વાસ્થ્યનો અહેસાસ કરી શકો.

મકર

આ સપ્તાહે ભાઇબહેનોથી આપને લાભ થાય. આપ જે પણ કામ હાથમાં લેશો તેમાં સફળ થશો. પ્રતિસ્‍પર્ધીઓ પણ આપની સામે ફાવી શકશે નહીં. કામકાજ અર્થે કમ્યુનિકેશન કરવાનું અથવા નવી નવી રીતો અપનાવવાનું વિચારતા હોવ તો ઉત્તમ સમય છે. ઓફિસ અથવા કોઈપણ જગ્યા એ જશો ત્યાં આપની સિદ્ધિ અને પ્રગતિની ચર્ચા થશે અને આપના પર પ્રસંશાઓનો વરસાદ થશે. નોકરિયાતોને તેમનું કૌશલ્ય પુરવાર કરવાની ઉત્તમ તક મળે. તમે હરિફોને પછાડીને પોતાનું વર્ચસ્વ જમાવી શકશો. વિજાતીય સંબંધો તરફ આપને વિશેષ આકર્ષણ રહેશે. આપ મોજશોખ પાછળ ખર્ચ કરશો. દાંપત્યજીવનમાં પણ તમારી વચ્ચે અનોખો તાલમેલ બનશે. આ સ્થિતિ તમારા સંબંધોને નવી ઉંચાઇ સુધી લઇ જવા માટે સક્ષમ છે. સમાજમાં આપનો માન મોભો વધે. વિદ્યાર્થીવર્ગને સમય સારો રહેશે માટે અભ્યાસમાં ખાસ કરીને કોઈ પ્રોજેક્ટ કે અસાઈન્મેન્ટમાં સારી રીતે આગળ વધી શકો. સપ્તાહના મધ્યમાં ખાસ કરીને પેટ અને સાંધાનો દુઃખાવો થવાની શક્યતા છે.

કુંભ

પ્રોફેશનલ મોરચે વિચાર કરીએ તો, તમે દરેક મોરચે સંતુલન સાથે આગળ વધશો. ક્યાંક ખોટ અથવા પાછી પાની થાય તો નિરાશ થવાના બદલે તેમાંથી બોધપાઠ લેવાની વૃત્તિ રહેશે. કામ, કામની ટેકનિકોનો વિચાર, અને નવી તકો આ બધું તમારા જીવનમાં આવશે. જો આપને આમાંથી કશુંક મેળવતા આવડે તો ફાયદો જ ફાયદો છે અને ના આવડે તો નફામાં નુકસાન સમજી શકાય. આ સપ્તાહે શક્ય હોય ત્યાં સુધી કોર્ટ કચેરીનું કામકાજ ટાળી દેવું. આપની વૈચારિક સમૃદ્ધિ વધશે. આપના પરિવારમાં સુખશાંતિ અને કુટુંબીજનો સુમેળભર્યા સંબંધો જળવાશે. બીજા અને ત્રીજા દિવસે રોમાન્‍સ કે મનોરંજન તરફ તમે વધુ ઝુકેલા રહો. મિત્રો, પ્રેમિકા, તમારા સંપર્કમાં આવતા તમને આનંદ થશે. આપ કોઇની સાથે ભાવનાત્મક સંપર્કમાં આવશો અને તેમની સમસ્યાઓનું સમાધાન લાવવા પ્રયત્ન કરશો. ઉત્તરાર્ધમાં આર્થિક અને વ્‍યાવસાયિક ચિંતાઓમાંથી હળવાશ મળી શકે છે. વિદ્યાર્થીઓએ અભ્યાસ બાબતે ગાફેલ કે બેદરકાર ના રહેવું. સ્વાસ્થ્ય સુખાકારી બાબતે શરૂઆત સારી છે પરંતુ છેલ્લા ચરણમાં ગરમીજન્ય ફરિયાદો આવી શકે છે.

મીન

આપ કોઈ પણ વસ્તુને લક્ષ્ય બનાવીને તેને પ્રાપ્ત કરવા માટે સાહસ ખેડી શકો છો. આ સાહસમાં આપને હરાવવા ખૂબ જ મુશ્કેલ છે. ખરેખર જોઈએ તો આ સપ્તાહ એક સાહસિક કાર્યની ભાવના અને હિંમત બતાડવાનું સપ્તાહ છે. પ્રોફેશનલ મોરચે આપની પ્રગતિ થાય પરંતુ ખાસ કરીને વાહનો, સ્થાવર મિલકતોની લે-વેચ અથવા બાંધકામ, કૃષિને લગતા કાર્યોમાં થોડો સંઘર્ષ કરવાની તૈયારી રાખવી. પરિવાર સાથે સંબંધોમાં આમ તો સૌહાર્દ જળવાશે પરંતુ કોઇપણ બાબતે તમારે વધુ સ્પષ્ટતા અને પારદર્શકતા રાખવી જરૂરી છે. સ્થાવર મિલકતને લગતા દસ્તાવેજી કાર્યો હાલમાં કરવા નહીં. સપ્તાહના મધ્ય ચરણમાં આપનામાં રોમાન્સની લાગણી વધુ જોવા મળે. સંબંધોમાં આગળ વધવા માટે અથવા મુલાકાતો માટે મધ્યનો તબક્કો બહેતર છે. વિદ્યાર્થી જાતકો પણ આ સમયમાં બહેતર અભ્યાસની દિશામાં આગળ વધી શકશે. છેલ્લા ચરણમાં ખાસ કરીને તમે પ્રોફેશનલ મોરચે વધુ સક્રિય બનશો. છેલ્લા બે દિવસમાં સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવાની ટકોર કરવામાં આવે છે.