‘દ્રવિડ સર’ની આ ટિપ્સથી શ્રેયસ અય્યરને થયો ફાયદો, છોડાવ્યા કીવી બોલરોના પરસેવા

કાનપુરઃ કાનપુર ટેસ્ટમાં ભારતીય બેટ્સમેન શ્રેયસ અય્યરે બીજી ઇનિંગમાં 65 રન ફટકારીને ભારતને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું હતું. તેણે કહ્યું કે ન્યુઝીલેન્ડ સામેના બીજા સેશન દરમિયાન તેણે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બને તેટલા બોલ રમવાના હતા. બીજા દાવમાં પોતાનો નિર્ણાયક રન બનાવતા પહેલા, અય્યર પ્રથમ ઈનિંગમાં સદી (105) અને બીજી ઈનિંગમાં અડધી સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો હતો.

‘પહેલા પણ આવી પરિસ્થિતિનો સામનો કર્યો હતો’

શ્રેયસ અય્યરે કહ્યું, ‘હું ભારતીય ટીમ માટે નહીં પરંતુ મારી રણજી ટીમ માટે અગાઉ પણ આવી પરિસ્થિતિઓમાં રમ્યો છું. સારા સેશનમાં બને તેટલા બોલ રમવાના હતા. હું બહુ આગળનું વિચારી રહ્યો ન હતો, હું વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ કરી રહ્યો હતો.

‘રાહુલ સરની ટિપ્સ કામમાં આવી’

26 વર્ષીય ખેલાડીએ ખુલાસો કર્યો કે મુખ્ય કોચ રાહુલ દ્રવિડે તેને બીજી ઇનિંગમાં વધુ લાંબી બેટિંગ કરવા કહ્યું હતું. તેણે આગળ કહ્યું, ‘રાહુલ સર મને શક્ય તેટલા વધુ બોલ રમવા માટે કહ્યું અને મેં તે જ કરવાનું વિચાર્યું. મને લાગે છે કે અમને 250થી વધુ રનની સારી લીડ મળી છે, જેનાથી હું ખુશ છું.

અય્યરને જીતનો વિશ્વાસ છે

શ્રેયસ અય્યરે આ સફળતા હાંસલ કરવા પર પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું, ‘મારું ધ્યાન હજુ પણ ભારત પ્રથમ ટેસ્ટ જીતવા પર છે અને આ કરવા માટે અમારે હજુ 9 વિકેટ લેવાની બાકી છે, જ્યારે ન્યૂઝીલેન્ડને પાંચમા દિવસે 280 રનની જરૂર છે.’ તેણે કહ્યું કે ભારતીય ટીમમાં સ્પિનરોની ત્રિપુટી તેને સોમવારે જીત અપાવી શકે છે.