સરકારી શાળાના બાળકો આગામી વર્ષથી ભણશે ભગવદ્ ગીતાના પાઠ, આ રાજ્યએ લીધો નિર્ણય..

દોસ્તો હરિયાણામાં આગામી શૈક્ષણિક સત્રથી શાળાના બાળકોને ભગવત ગીતાના શ્લોક શીખવવામાં આવશે. હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટરે શનિવારે આ અંગેની જાહેરાત કરી હતી.

મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર શનિવારે ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવમાં ભાગ લેવા માટે કુરુક્ષેત્ર પહોંચ્યા હતા. આ ઉત્સવમાં લોકસભાના સ્પીકર ઓમ બિરલા પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે આયોજિત સેમિનારમાં બોલતા મનોહર લાલ ખટ્ટરે જણાવ્યું હતું કે આગામી સત્રથી રાજ્યમાં શાળાના બાળકોને ભગવત ગીતાના શ્લોકો શીખવવામાં આવશે. તેમણે જાહેરાત કરી કે ભગવત ગીતા સંબંધિત પુસ્તકો ધોરણ 5 અને 7ના અભ્યાસક્રમનો ભાગ હશે.

મુખ્યમંત્રી ખટ્ટરે કહ્યું કે યુવાનોએ ગીતાનો સાર પોતાના જીવનમાં આત્મસાત કરવો જોઈએ. તેનું કારણ એ છે કે આ પવિત્ર ગ્રંથમાં સમાવિષ્ટ સંદેશાઓ માત્ર અર્જુન માટે જ નહીં પરંતુ આપણા બધા માટે પ્રાસંગિક છે. જે ભગવત ગીતાના સંદેશને સમજે છે, તે આ સાંસારિક દુઃખોને પણ હંમેશ માટે છોડી દે છે.

તેમણે કહ્યું કે કુરુક્ષેત્રમાં યોજાનાર વાર્ષિક આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવને વ્યાપક સ્તરે લેવા માટે આગામી વર્ષથી ગીતા જયંતિ સમિતિની રચના કરવામાં આવશે. આ સમિતિમાં રાજકારણીઓ ઉપરાંત ધાર્મિક વિદ્વાનો અને અધિકારીઓનો સમાવેશ કરવામાં આવશે. તેમણે કહ્યું કે જ્યોતિસરમાં ‘ગીતસ્થલી’ ખાતે બે એકર જમીન પર 205 કરોડ રૂપિયાના ખર્ચે મહાભારત થીમ પર એક મ્યુઝિયમ બનાવવામાં આવી રહ્યું છે.

સીએમ ખટ્ટરે કહ્યું કે રામલીલાની તર્જ પર આગામી વર્ષથી આંતરરાષ્ટ્રીય ગીતા ઉત્સવ દરમિયાન કૃષ્ણ ઉત્સવનું પણ આયોજન કરવામાં આવશે. આ માટે અલગ ફંડ ફાળવવામાં આવશે. ત્યારબાદ આ કૃષ્ણ ઉત્સવ કુરુક્ષેત્રની બીજી ઓળખ બનશે.