રેશનકાર્ડ ધારકો માટે સારા સમાચાર, શરૂ થઈ આ નવી સુવિધા, જાણો કેવી રીતે મળશે લાભ…

સમાચાર

રાશન કાર્ડના લાભાર્થીઓ માટે હાલમાં સારા સમાચાર આવ્યા છે. હવે રાશન ડીલરો ઘરે-ઘરે રાશનનું વિતરણ કરશે એટલે કે હવે તમારે રેશનની દુકાન પર કલાકો સુધી કતારમાં ઉભા રહીને તમારા વારો આવે તેની રાહ જોવી પડશે નહીં. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે ‘દુઆરે રાશન સ્કીમ’નું ઉદ્ઘાટન કર્યું. આ યોજના હેઠળ રાશન ડીલરો રાજ્યના રેશનકાર્ડ ધારકોના ઘરે જઈને રાશન પહોંચાડશે.

આ યોજનાનું ઉદ્ઘાટન કરતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે આનાથી પશ્ચિમ બંગાળના 10 કરોડ લોકોને સીધો ફાયદો થશે અને તેમને રાશનની દુકાનો પર કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડશે નહીં. આ સાથે ડીલરોને રાશનની ડિલિવરી માટે કમિશન પણ આપવામાં આવશે.

મમતા બેનર્જીએ કહ્યું કે સરકાર રાશન ડીલરનું કમિશન 75 રૂપિયાથી વધારીને 150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરશે એટલે કે રાશનની ડિલિવરી પર ડીલરોને પ્રતિ ક્વિન્ટલ 75 રૂપિયા કમિશન મળશે. કોલકાતાના નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં આ યોજનાનું ઉદ્ઘાટન કરતા મુખ્યમંત્રી બેનર્જીએ કહ્યું, ‘આ ‘દુઆર રાશન યોજના’ રાજ્યના 10 કરોડ લોકોને મદદ કરશે. હું તમામ રાશન ડીલરોને તેને સફળ બનાવવા વિનંતી કરીશ. દેશના ઘણા રાજ્યો પશ્ચિમ બંગાળની યોજનાઓનું અનુકરણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

નોંધનીય છે કે આ વર્ષે માર્ચ-એપ્રિલમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી પહેલા મમતા બેનર્જીએ આ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ ડીલરો લાભાર્થીઓના ઘરે રાશન પહોંચાડશે એટલું જ નહીં, લોકોને રાશન પૂરું પાડવાની વ્યવસ્થા માટે સરકાર રાજ્યના 21,000 રાશન ડીલરોને વાહનો ખરીદવા માટે પ્રત્યેક એક-એક લાખ રૂપિયાની આર્થિક મદદ કરશે.

આ કાર્યક્રમમાં મમતા બેનર્જીએ રાજ્ય સરકારના ખાદ્ય અને પુરવઠા વિભાગ માટે ‘વોટ્સએપ ચેટબોટ’ અને એક મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરી છે. તમને જણાવી દઈએ કે આ એપ દ્વારા લોકોને રેશન કાર્ડ માટે અરજી કરવા અને તેનાથી સંબંધિત તમામ અપડેટ્સ મેળવવા વિશે વિગતવાર માહિતી મળશે.