ડેન્ગ્યુ થી હંમેશા માટે મળી જશે મુક્તિ, હવે મચ્છર જ બચાવશે આ જાનલેવા બીમારીથી…

સમાચાર

આ દિવસોમાં ડેન્ગ્યુના કહેરથી ઘણા લોકો પરેશાન છે. રાજધાની દિલ્હી સહિત ઘણા શહેરો ડેન્ગ્યુના પ્રકોપનો સામનો કરી રહ્યા છે, પરંતુ આગામી દિવસોમાં ડેન્ગ્યુ ભૂતકાળ બની શકે છે. ઈન્ડોનેશિયાના વૈજ્ઞાનિકોએ ડેન્ગ્યુનો સામનો કરવા માટે ‘સારા’ મચ્છર વિકસાવ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ‘સારા’ મચ્છર ડેન્ગ્યુને ખતમ કરવામાં અસરકારક સાબિત થશે.

ઇન્ડોનેશિયામાં સંશોધકોએ રોગ પેદા કરતા મચ્છરો સામે લડવાનો એક માર્ગ શોધી કાઢ્યો છે કે જેમાં એક પ્રકારના બેક્ટેરિયા હોય છે, જે ડેન્ગ્યુ જેવા વાઇરસને અંદર વધતા અટકાવે છે. ન્યુ ઈંગ્લેન્ડ જર્નલ ઑફ મેડિસિન દ્વારા પ્રકાશિત અહેવાલ દર્શાવે છે કે વોલ્બેચિયા બેક્ટેરિયા સાથે મચ્છરોના ઇનોક્યુલેશનથી ડેન્ગ્યુના કેસોમાં 77% અને હોસ્પિટલમાં દાખલ થવામાં 86% ઘટાડો થયો છે.

વોલ્બેચિયા એ એક સામાન્ય બેક્ટેરિયા છે, જે કુદરતી રીતે જંતુઓની 60% પ્રજાતિઓમાં જોવા મળે છે, જેમાં કેટલાક મચ્છર, માખીઓ, શલભ, ડ્રેગન ફ્લાય અને પતંગિયાનો સમાવેશ થાય છે. નોન-પ્રોફિટ વર્લ્ડ મોસ્કિટો પ્રોગ્રામ (ડબ્લ્યુએમપી) અનુસાર તે ડેન્ગ્યુ ફેલાવતા એડીસ ઇજિપ્તી મચ્છરોમાં જોવા મળતું નથી. WMPના સંશોધક પૂર્વંતીએ જણાવ્યું કે સૈદ્ધાંતિક રીતે અમે ‘સારા’ મચ્છર ઉત્પન્ન કરી રહ્યા છીએ,” જે ડેન્ગ્યુ ફેલાવતા મચ્છરો વોલ્બેચિયા વહન કરતા મચ્છરોના સંપર્કમાં આવશે અને વધુ ‘સારા’ મચ્છર પેદા કરશે. આ પછી ધીરે ધીરે એવો સમય આવશે કે મચ્છર લોકોને કરડે તો પણ ડેન્ગ્યુ ફેલાશે નહીં.

જો દેશની વાત કરીએ તો આ વર્ષે ડેન્ગ્યુએ હાહાકાર મચાવ્યો છે. એકલા રાષ્ટ્રીય રાજધાનીમાં આ સિઝનમાં 7,100 થી વધુ ડેન્ગ્યુના કેસો અને એકલા નવેમ્બર મહિનામાં લગભગ 5,600 કેસ નોંધાયા છે. સોમવારે જાહેર કરાયેલા અહેવાલ મુજબ, 15 નવેમ્બર સુધી, શહેરમાં ડેન્ગ્યુના 5,277 કેસ હતા, જે 2015 પછી દિલ્હીમાં મચ્છરજન્ય રોગના સૌથી વધુ કેસ છે. છેલ્લા એક સપ્તાહમાં શહેરમાં લગભગ 1,850 નવા કેસ નોંધાયા છે. વળી 20 નવેમ્બર સુધી દિલ્હીમાં ડેન્ગ્યુના કુલ 7,128 કેસ નોંધાયા હતા. એક રિપોર્ટ અનુસાર, 2016માં દિલ્હીમાં ડેન્ગ્યુના 4431, 2017માં 4726, 2018માં 2798, 2019માં 2036 અને 2020માં 1072 કેસ નોંધાયા હતા. આ સાથે 2015માં શહેરમાં ડેન્ગ્યુની સ્થિતિ ભયાનક હતી અને તે વર્ષે 10,600 કેસ નોંધાયા હતા. આવી સ્થિતિમાં ‘સારા’ મચ્છરોની શોધ મોટી રાહત આપી શકે છે.